હવામાન વિભાગની આગાહી, દક્ષિણ, મધ્ય ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા

 


માહિતી પોઈન્ટ: રાજ્યભરમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. ગુજરાતમાં થોડા સમયના વિરામ બાદ આજથી પાંચ દિવસ માટે ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, દક્ષિણ, મધ્ય ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રમાં પાંચ દિવસ સુધી વરસાદ વરસી શકે છે. નોંધનીય છે કે, અત્યારસુધીમાં સિઝનનો કુલ 121 ટકા વરસાદ નોંધાયો છે. 


હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 10 અને 11 સપ્ટેમ્બરના રોજ ગાજવીજ સાથે 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. દાદરા નગર હવેલી, દમણ, અમરેલી, દાહોદ, બોટાદ, ભરૂચ, છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, સુરત, તાપી, વલસાડ, ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.


હવામાન વિભાગે આગાહી કરી છે કે પાંચ દિવસ સતત મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે. જો કે હજુ પણ ખેતરોમાં વરસાદી પાણી ભરાયા છે. વરસાદી પાણી સુકાયા નથી ત્યાં ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે. હજુ પણ ચોમાસાની સિઝનના 20 દિવસ બાકી છે.


ગઇકાલે અમદાવાદ જિલ્લા, ડાંગ, સાપુતાર, આહવા, કડી જેવા વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. આ સાથે ઉપરવાસમાં વરસાદને કારણે સાબરકાંઠામાં આવેલી હાથીમતી નદી બે કાંઠે વહી રહી છે.